વચનામૃત ગઢડા મધ્યનું - ૪૪
સંવત ૧૮૮૦ના પોષ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું જે, (૧) જ્યારે કોઈક હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂઝતા હોય એટલા ને એટલા સૂઝે કે કાંઈ વધુ સૂઝે ? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, જે અટકળે તો એમ જણાય છે જે મોરે સૂઝતા એટલા ને એટલા સૂઝે છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ વાતમાં તમારી નજર પડી નહીં. એટલા ને એટલા અવગુણ સૂઝતા હોય તો અવગુણ આવ્યો એમ કેમ કહેવાય ? માટે એ તો ભૂંડા દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની થઈ જાય છે, તેણે કરીને અવગુણ વધુ સૂઝે છે ત્યારે એમ જાણવું જે બુદ્ધિને વિષે ભૂંડા દેશકાળાદિકનું દૂષણ લાગ્યું છે. (૧) અને અમે તો એમ જાણીએ છીએ જે જેને પૂર્વે મોટાપુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહિ ને એવાં જેનાં લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવા. (૨) અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહિ અને બીજા જે હરિભક્ત હોય તેને વિષે જે કેવળ અવગુણ ભાસે એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો ને તે આસુરી જીવ સત્સંગીમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય પણ જેવા કાળનેમી, રાવણ ને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહિ માટે પાકો હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪૪।। (૧૭૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં જેને ભૂંડા દેશાદિકને યોગે કરીને બુદ્ધિ દૂષિત થાય છે તેને કરીને અવગુણ વધુ સૂઝે છે. (૧) અને પૂર્વે મોટાપુરુષનો યોગ થયો હોય અથવા અમારું દર્શન થયું હોય તેને પોતાના જ અવગુણ સૂઝે, પણ બીજા હરિભક્તના અવગુણ દેખે જ નહીં. (૨) ને આસુરી હોય તેને પોતાના અવગુણ ન ભાસે ને બીજા હરિભક્તમાં કેવળ અવગુણ ભાસે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે. ।।૪૪।।